રાજકોટના નાનામવા રોડ જીવરાજ પાર્કમાં રહેતા વિવેકભાઇ રજનીકાંતભાઇ ચનીયારા (ઉ.વ.29) એ કુવાડવારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોતે નવાગામ નારાયણનગરમાં આવેલા મારૂતિ એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારીમા઼ પેઢી ચલાવે છે. તા.28.06.2024ના રોજ પોતે ગોડાઉન બંધ કરી ઘરે જતા રહયા બાદ બીજા દિવસે સવારે ગોડાઉને આવ્યા ત્યારે સ્ટોકમાં રાખેલા ચાર ટીવી, બે હોમ થિયેટર અને બે સાઉન્ડ બાર મળી રૂ.2.50 લાખનો માલ સામાન જોવા ન મળતા પોતે તપાસ કરતા પોતાના ગોડાઉની બહાર એક ઇલેકટ્રીક થાંભલો આવેલ હોઇ તેથી કોઇ અજાણ્યા શખ્સો થાંભલા પર ચડી ગોડાઉનની દીવાલ ટપીને અંદર પ્રવેશ કરી ચોરી કર્યાની ખબર પડતા પોતે કુવાડવા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ બનાવમાં તપાસ દરમિયાન ગોડાઉનમાં અગાઉ કામ કરતા દર્શન જાદવભાઇ ગોધાણી પર શંકા જતા પોલીસે દર્શન ગોધાણીની પુછપરછ કરતા તેણે અન્ય ત્રણ શખ્સો સાથે મળી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે દર્શન જાદવભાઇ ગોધાણી, તથા હેમાંગ જગદીશભાઇ જીજવાડીયા (ઉ.વ.19), સુનીલ રણછોડભાઇ મોરવાડીયા (ઉ.વ.20) અને ભાવીન વિનોદભાઇ મોરવાડીયા (ઉ.વ.19)ને પકડી પાડી રૂ.2.50 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.