રાજકોટ મહાનગરપાલિકાએ દરેક વોર્ડ લોકદરબાર યોજવાનું નક્કી કર્યું છે. આ પૈકી વોર્ડ નં.3ના લોકદરબારમાં અત્યાર સુધીની સૌથી વધુ 90 ફરિયાદોનો ધોધ વહ્યો છે જેમાં રોડ-રસ્તા અને ડ્રેનેજની ફરિયાદો વધારે છે.
વોર્ડ નં.3ના રહેવાસીઓ ખાસ કરીને રેલનગરમાં રોડ-રસ્તાની પ્રાથમિક સુવિધાઓનો ભારે અભાવ છે. ડ્રેનેજ નેટવર્ક અને વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને કારણે અનેક સોસાયટીઓ રાજકોટ શહેરથી વિખૂટી હોય તેવું દૃશ્ય સર્જાય છે. આ ઉપરાંત પોપટપરા નાળું પહોળું કરવું અને વરસાદ થંભી ગયા બાદ પણ કલાકો સુધી નાળામાંથી પસાર થઈ શકાતું નથી તો પાણી નિકાલ ઝડપથી થાય તેવી વ્યવસ્થા કરવા તેમજ ટી.પી. રોડ ખુલ્લા કરવા સહિતના પ્રશ્નો આવ્યા હતા જેના પર તાત્કાલિક અમલ કરવા માટે મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સૂચના આપી હતી. આ દરમિયાન એવો પણ મુદ્દો આવ્યો હતો કે મનપાએ જ્યાં જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ બનાવ્યા છે તેને મનપા આવાસ યોજના નહિ પણ ટાઉનશિપ નામ આપે. જેને લઈને હવેથી દરેક સ્કીમમાં આવાસ યોજનાને બદલે સત્તાવાર રીતે ટાઉનશિપ નામ વાપરવામાં આવશે અને બસ સ્ટેન્ડ તેમજ દિશા સૂચક બોર્ડમાં આ નામના ફેરફાર કરવામાં આવશે. વોર્ડ નં.4નો લોકદરબાર ગુરુવારે સવારે 9થી 11 દરમિયાન સંત વેલનાથ કોમ્યુનિટી હોલ મોરબી રોડ જકાતનાકા પાસે મળશે.