લોધિકાના તરવડા ગામની સીમમાં સુરભી ગોલ્ડ ઇન્ડસ્ટ્રીઝમાં એશિયન એન્જિનિયરિંગ નામની કંપનીના કર્મચારીએ ડેટા ચોરી હરીફ કંપનીને આપી તેની સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હોવાની કંપનીના માલિકને જાણ થતાં તેને ફરિયાદ કરતાં લોધિકા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુનિતનગર પાસેના રામેશ્વર પાર્કમાં રહેતા અને લોધિકાના તરવડા ગામે એશિયન એન્જિનિયરિંગ નામની કંપની ચલાવતા ભગવાનજીભાઇ વાલજીભાઇ પાનસુરિયાએ તેની કંપનીના કર્મચારી સતિષ મગનભાઇ રાદડિયા સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને વધુ એક સુરભી ગોલ્ડ ઇન્ડસ્ટ્રીઝ કંપની શરૂ કરી હતી. જેમાં કમ્પ્યૂટર પર કામ કરતા ઓપરેટરની જરૂર હોય તેને સતિષ મગનભાઇ રાદડિયા અને ધર્મેશ મગનભાઇ રાદડિયાને કામ પર રાખ્યા હતા.
દરમિયાન તેની કંપનીના બધા ડેટા કમ્પ્યૂટરમાં રાખતા હોય સતિષે અમારા હરીફ વેસ્પા એન્જિનિયરિંગ સોલ્યુશન કંપનીમાં ભાગીદારી રાખી ધંધો શરૂ કર્યો હોવાની જાણ થતાં તેને નોકરીમાંથી કાઢી મૂકી તપાસ કરતાં અમારી કંપનીના ગ્રાહક સહિતના ડેટા ચોરી સતિષે ખીરસરા રોડ પરની કંપનીને આપી દીધાનું બહાર આવતા ફરિયાદ કરી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.