રાજકોટ શહેરના રેવન્યૂ સર્વે નં.318 પૈકીની આકાશવાણી ચોકથી જે.કે.ચોક વચ્ચે આવેલી શિવશક્તિ હાઉસિંગ સોસાયટીમાં સરકારી જમીનમાં અનઅધિકૃત રીતે ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો ખડકી દઇ ભાડે દેવાના ધીકતા ધંધાનો પર્દાફાશ થયો હતો. લાંબા સમય સુધી અમુક નેતાઓના દબાણના કારણે ધીમી કામગીરી થતી હતી. હવે નેતાઓનું ‘દબાણ’ દૂર થતાં 135 દબાણકારોને આઇડેન્ટિફાય કરી તેમના નામે નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી. ગત 27મી માર્ચે ઇસ્યૂ કરાયેલી આ નોટિસ પણ દબાવી દેવામાં આવી હતી અને ઇસ્યૂ કરવામાં ન આવતા અંતે ‘દિવ્ય ભાસ્કરે’ ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડના જવાબદારોને પણ ઉઘાડા પાડ્યાહતા અને તેના પગલે હવે બોર્ડે નોટિસ ઇસ્યૂ કરતા તાજેતરમાં 135 દબાણકારોનેનોટિસ મળી છે.
ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડના જવાબદાર સૂત્રોએ જણાવ્યા અનુસાર કુલ 135 દબાણકારોને નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે. આ 135 કોમર્શિયલ દબાણકારોને નોટિસમાં જણાવ્યું છે કે રાજકોટ જિલ્લાના રૈયા ગામના સર્વે નં.318 પૈકીની જમીનમાં આવેલા શિવશક્તિ હાઉસિંગ સોસાયટી બાબતે મળેલી રજૂઆત અન્વયે ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડ ગાંધીનગરની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી તે જગ્યા પર અનઅધિકૃત કબજો જમાવેલ છે. આ રજૂઆત સંદર્ભે જણાવવાનું કે ઉક્ત જગ્યા હેઠળ આપના કબજા હેઠળની જગ્યાના માલિકીના હક્ક બાબતે આપની પાસે જે કાંઇ પુરાવા હોય તો તે નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડ પેટા વિભાગ રાજકોટની કચેરીમાં આધાર-પુરાવા સાથે લેખિત જવાબ દિન-10માં રજૂ કરશો.
આ નોટિસ મળ્યાથી આપનાર તરફથી કોઇ પુરાવા તેમજ લેખિત જવાબ રજૂ કરવામાં નહીં આવે તો આ અંગે આપના તરફથી કાંઇપણ કહેવા માગતા નથી તેમ માનીને આગળની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેનીનોંધ લેશો.
ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડના નિયમાનુસાર બોર્ડની માલિકીની જમીનમાં બાંધકામ કરી શકાતું નથી. તેમજ રહેણાક હેતુની જગ્યામાં કોમર્શિયલ બાંધકામ કરી શકાતું નથી. આમ છતાં છેલ્લા ઘણાં વર્ષોથી આ જગ્યામાં બોર્ડના અમુક લેભાગુ અધિકારીઓના કારણે કોમર્શિયલ દબાણો ખડકી દઇ ભાડે દેવાનો ધીકતો ધંધો ગેરકાયદેસર રીતે ચાલી રહ્યો છે ત્યારે જો 10 દિવસ બાદ બોર્ડ નિયમ મુજબ કાર્યવાહી કરે તો સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામો ડિમોલિશન કરવા પડે અને કરોડો રૂપિયાની સરકારી જમીન ખુલ્લી થાય.