રંગીલા રાજકોટમાં રહેતા લોકોની રહેણી-કહેણી, હરવા-ફરવા તેમજ લોકોને મદદરૂપ થવાની ભાવનાને કારણે આખા ગુજરાતમાં રાજકોટને અલગ ઓળખ મળી છે. ત્યારે રંગીલા રાજકોટને હવે નવી ઓળખ મળશે અને તે આર્થિક પાવર હાઉસ બને તે માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગ્રીટની ટીમ સરવે માટે આવી છે અને તે બે દિવસ સુધી રાજકોટમાં રોકાણ કરશે. આજે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાશે.
રાજકોટ જિલ્લાને આઇટી એજ્યુકેશન અને ફાઈનાન્સિયલ હબ તરીકે વિકસાવવા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રીટની ટીમ બે દિવસ સુધી રાજકોટના અલગ -અલગ ઔદ્યોગિક એકમો, વિવિધ વિસ્તારો અને સ્થળની મુલાકાત લેશે. જિલ્લા કલેક્ટરના જણાવ્યાનુસાર ભારત સરકારના નીતિ આયોગ અને ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઈકોનોમિક મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા સંયુક્ત પણે કામગીરી હાથ ધરી છે.
ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા ઉત્તર ગુજરાત આર્થિક ક્ષેત્રે, સૌરાષ્ટ્ર આર્થિક ક્ષેત્રે ઈએમપીએસની તૈયારીમાં સહાય કરવા માટે પીડબ્લ્યુસીની નિમણૂક કરવામાં આવી છે.જેમાં ઈએમપી ટીમ ડેટા વિશ્લેષણ, અલગ- અલગ ક્ષેત્રની મુલાકાત કરશે. તેમજ વર્કશોપ, જાહેર અને ખાનગી ક્ષેત્રના મુખ્ય હિસ્સેદારો સાથે વ્યક્તિગત પરામર્શ કરશે. જે અંતર્ગત આજ રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને ઈકોનોમિક મેનેજમેન્ટ પ્લાન બાબતે સવારે 10.15 કલાકે ઈમ્પિરિયલ હોટેલ ખાતે વર્કશોપનું આયોજન કરાયું છે.