શહેરમાં યુવાધન માદક પદાર્થના રવાડે ન ચડે તેમજ વેચાણ ન કરે તે માટે પોલીસના સે ટુ ડ્રગ્સના મિશન દરમિયાન SOGની ટીમે પુષ્કરધામ રોડ પર ભવાનીનગર પાસેથી કોલેજિયન યુવકને રૂ.2.13 લાખના મેફેડ્રોન સાથે ઝડપી લીધો હતો.
પુષ્કરધામ સોસાયટી પાસેના ભવાનીનગરમાં એક શખ્સ માદક પદાર્થ સાથે આવ્યો હોવાની માહિતીને આધારે એસઓજીના પીઆઇની સૂચનાથી ડીબી ખેર,હાર્દિકસિંહ સહિતના સ્ટાફે વોચ ગોઠવી શંકાસ્પદ શખ્સને અટકાવી તેની પૂછતાછ કરી હતી. પોલીસની પૂછતાછમાં તે ભગતસિંહજી ગાર્ડન પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના આજમગઢનો અંશુ ઉર્ફે અંશુડો બાબુભાઇ ચૌહાણ હોવાનું જણાવતા પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી રૂ.2.13 લાખની કિંમતનું 21.35 ગ્રામ મેફેડ્રોન (ડ્રગ્સ) મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી.
અંશુ રાજકોટમાં ભાડે રહી એચ.એન. શુક્લા કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું અને મોજમજા કરવા માટે પૈસા કમાવવા છેલ્લા પાંચ- છ માસથી મુંબઇથી માદક પદાર્થ લઇ આવી છૂટક પડીકી (બુક) બનાવી વેચતો હોવાનું રટણ કર્યું હતું તેમજ તેની સાથે એક માસ પહેલાં મુંબઇથી લાવ્યો હોવાનું અને તેની સાથે વધુ એક શખ્સ હોવાનું બહાર આવતા પોલીસે પકડાયેલા અંશ વિરુદ્ધ ફરિયાદ કરતા તેની સામે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ એક આરોપીને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.