કલેક્ટરે એક માસમાં 14 ડિફોલ્ટરની રૂ.16.12 કરોડની મિલકત જપ્ત કરી

રાજકોટની રાષ્ટ્રીયકૃત, સહકારી મંડળી અને ફાઇનાન્સ પેઢીમાંથી લોન લઈને હપ્તા નહિ ભરનાર ડિફોલ્ટરો સામે કલેક્ટરે લાલ આંખ કરી છે. કલેક્ટરે એક મહિનામાં 14 ડિફોલ્ટરની રૂ.16.12 કરોડની મિલકત જપ્ત કરી છે. હવે મામલતદાર કચેરી દ્વારા બાકીદાર 171 ડિફોલ્ટરનું લિસ્ટ બનાવી આગામી દિવસોમાં મિલકત જપ્તીની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં બેંકમાંથી લોન લઈ ભાગી ગયેલા ડિફોલ્ટરની મિલકત જપ્ત કરવામાં આવશે. સિક્યુરાઈઝેશન એક્ટ હેઠળ રાજકોટ શહેર અને જિલ્લામાંથી કુલ 185 બેંક ડિફોલ્ટરની કરોડ રૂપિયાની મિલકત જપ્ત કરવાના આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યા છે.

પશ્ચિમ મામલતદાર કચેરી તાબા હેઠળ કુલ 73 આસામીની મિલકત જપ્ત કરવાના આદેશ કરવામાં આવ્યા છે.તેમાં માત્ર 3 આસામીની રૂ.11.17 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે. આ સિવાય રાજકોટ પૂર્વ ઝોન મામલતદાર કચેરી દ્વારા 7 આસામીની રૂ.65.83 લાખ, રાજકોટ તાલુકામાં 3 ડિફોલ્ટરની રૂ.71.64 લાખ અને ગોંડલ તાલુકામાં 1 ડિફોલ્ટરની રૂ. 3.57 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે. આમ, છેલ્લા એક મહિનામાં કુલ 14 ડિફોલ્ટરની રૂ.16.12 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી હોવાનું કલેક્ટરે જણાવ્યું છે. જિલ્લા કલેક્ટરની કાર્યવાહીને પગલે ડિફોલ્ટરોમાં ફફડાટ ફેલાયો છે.ગત માસમાં નાગરિક બેંકમાંથી લોન લઈને હપ્તો નહિ ચૂકવનાર અરજદારની રૂ.8,74,070 લહેણી નીકળતી રકમ અને ચડત વ્યાજની વસૂલાત માટે દુકાનનો કબજો લેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *