રાજકોટ શહેરના બે અલગ-અલગ વિસ્તારમાંથી રિક્ષાગેંગે બે વ્યક્તિને નિશાન બનાવ્યા છે. રાજકોટના ભકિતનગર સર્કલ પાસે એક વિકલાંગને અને નાનામવા સર્કલ પાસે એક યુવાનને રિક્ષામાં બેસાડી ઉલ્ટી, ઉબકા થાય છે. તેવા બહાના કરી બંને પેસેન્જરની નજર ચૂકવી રૂ.19,500 રોકડ સેરવી લેતા ફરિયાદ નોંધાઇ છે.
રિક્ષામાં અગાઉથી બે શખસો બેઠા હતા
અમરેલીના ખીજડીયા ગામ હાલ રાજકોટ નાનામવા રોડ પર ગોલ્ડન પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં રહેતો મહેશ મનસુખભાઇ સાગઠીયા (ઉં.વ.27)એ માલવીયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ભવાની સિક્યુરિટી સર્વિસમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગત તા.29-12-2023ના રોજ બપોરે પોતે સિક્યુરિટીના કામ માટે આજી જી.આઇ.ડી.સીમાં જવાનું હતું. જેથી પોતે નાનામવા રોડ પાર્ક એવન્યુ કોમ્પ્લેક્ષ પાસે એક રિક્ષામાં બેસીને નીકળ્યો હતો. રિક્ષામાં અગાઉથી બે શખસો બેઠા હતા.
રિક્ષામાં બેઠેલા અન્ય શખસે પૈસા સેરવી લીધા
નાનામવા સર્કલ સિલ્વર હાઇટસ એપાર્ટમેન્ટ સામે પહોંચતા રિક્ષામાં વચ્ચે બેઠેલા એક શખસે ઉલ્ટી કરવાનું બહાનુ કરી પોતાના ઉપર આવીને ઉલ્ટી કરવા લાગતા રિક્ષાચાલકે રિક્ષા ઊભી રાખી પોતાને નીચે ઉતરવાનું કહેતા પોતે નીચે ઉતરતા ચાલક રિક્ષા લઇ જતો રહ્યો હતો. બાદમાં પેન્ટના ખિસ્સામાં જોતા પાસે રહેલા રૂ.9500 જોવા ન મળતા રિક્ષામાં બેઠેલા શખસે પૈસા સેરવી લીધા હોવાની ખબર પડી હતી. આ બનાવની માલવીયાનગર પોલીસમાં પોતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.