મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને PNG (પાઈપ્ડ નેચરલ ગેસ)ની કિંમતો વધી શકે છે. ઈરાનના ડ્રોન હુમલા પછી ભારતને ગેસ સપ્લાય કરતો સૌથી મોટો દેશ કતાર તેના લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) પ્લાન્ટનું ઉત્પાદન રોકી ચૂક્યો છે.
આનાથી ભારત આવતા જહાજોની અવરજવર અટકી ગઈ છે અને સ્થાનિક બજારમાં ગેસના સપ્લાયમાં 40% સુધીનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ભારત તેની જરૂરિયાતની 40% LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) એટલે કે વાર્ષિક આશરે 2.7 કરોડ ટન કતારથી જ આયાત કરે છે.
વિદેશથી આવતી LNGને ગેસમાં રૂપાંતરિત કરીને જ CNG અને PNG સપ્લાય કરવામાં આવે છે. તેનો સપ્લાય અટકવાથી સિટી ગેસ કંપનીઓ (CGD)એ ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિઓ જલ્દી સુધરશે નહીં, તો CNG અને PNGના ભાવ વધી શકે છે.