આગામી તા. 26ના સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના રૂ. 565.63 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જેમાં રૂપિયા 167 કરોડનાં ખર્ચે બનનાર ગુજરાતનાં પ્રથમ થ્રીલેયર આઇકોનીક બ્રિજનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવનાર છે. આ સાથે આવાસ યોજનાનાં ખાલી પડેલા 183 આવસોનો ડ્રો તેમજ બાંધકામ, ડ્રેનેજ અને વોટરવર્ક્સ વિભાગના વિવિધ કામનું ખાતમુહૂર્ત અને 25 નવી બસોનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવનાર છે. જોકે કાર્યક્રમનું લીસ્ટ ફાઇનલ થતા પૂર્વે કેકેવી ચોક હેઠળ બનાવવામાં આવેલા નવા ગેમઝોનનું ઉદ્ઘાટન હાલ મુલતવી રખાતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
CMના હસ્તે કેબલ બ્રિજ અને અન્ડર બ્રિજનું ભૂમિપૂજન પ્રાપ્ત વિગત મુજબ બુધવારે મુખ્યમંત્રી પટેલ કટારીયા ચોકડીએ ગુજરાતના સૌપ્રથમ કેબલ બ્રિજ અને અન્ડર બ્રિજનું ભૂમિપૂજન કરશે. તેમજ નવા 150 ફૂટ રીંગ રોડ ડેવલપમેન્ટ, માઇનોર બ્રિજ, નવી 25 સીટી બસના લોકાર્પણ, બાંધકામ અને વોટર વર્કસ, ડ્રેનેજ શાખાના કામો, આવાસ યોજનાના ડ્રો પણ આ સાથે જ કરવામાં આવશે. હવે આ કાર્યક્રમ ફાઇનલ થઇ ગયો છે અને તેના આમંત્રણ કાર્ડ પણ છપાઇ ગયા છે. તેમજ કટારીયા ચોકડી ખાતે મુખ્યમંત્રીની જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.