રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓમાં આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં ચૂંટણીના પડઘમ વાગવાની પૂરેપૂરી સંભાવના છે. હાલમાં આ મહાનગરોમાં ચૂંટાયેલી પાંખનું અસ્તિત્વ નથી અને વહીવટદારો દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે આચારસંહિતા લાગુ થઈ ન હોવાથી, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વિકાસ કાર્યોને વેગ આપી જનતા સમક્ષ નવા પ્રોજેક્ટ્સ મૂકવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજકોટ તેડાવી કરોડોનાં લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાવવા માટે મનપા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રીના પ્રવાસનું આયોજન અને સમયની માંગણી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના વહીવટી તંત્ર દ્વારા આગામી તા. 21 થી 23 માર્ચ દરમિયાન વિવિધ કાર્યક્રમો માટે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) પાસે સમય માંગવામાં આવ્યો છે. સચિવાલયના સૂત્રો અને સ્થાનિક નિર્દેશો મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંભવતઃ 21 ના શનિવારે રાજકોટની મુલાકાતે આવે તેવી પ્રબળ શક્યતા છે.
CMOમાંથી સત્તાવાર પુષ્ટિની જોવાતી રાહ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૂબરૂ કે ટેલિફોનિક માધ્યમથી મુખ્યમંત્રીનો સમય માંગ્યો છે અને પ્રોટોકોલ મુજબની તૈયારીઓ આરંભી દીધી છે. જોકે, હજુ સીએમઓમાંથી ફાઇનલ તારીખની સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે, પરંતુ તંત્ર શનિવારને ગ્રાઉન્ડ લેવલ પર ફાઇનલ માનીને કામ કરી રહ્યું છે.
રૂ. 751 કરોડના વિકાસ કામોની ભેટ: લોકાર્પણ અને ખાતમુહુર્ત રાજકોટના મહેમાન બનનારા મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂ. 751 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. આ પૈકી મોટાભાગના કામો તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા.