CMની ખાતરી, રાજકોટમાં પાણીની તંગી નહીં થવા દઉં

રાજકોટ સહિત રાજ્યની આઠ મનપાના પડતર પ્રશ્નો મુદ્દે મુખ્યમંત્રીએ પદાધિકારીઓને તેડું મોકલ્યું હતું. જેમાં રાજકોટ મનપાએ ઉનાળામાં નર્મદાનાં નીર બંધ થવાથી સર્જાનાર પાણીની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી જેના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટને પાણીની સમસ્યા નહીં થ‌વા દેવાય તેવી ખાતરી આપ્યાનું પદાધિકારીઓએ જણાવ્યું હતું. મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ અમે નર્મદાના નીર બંધ થવાથી સર્જાનારી પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી જેના અનુસંધાને તેઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને રાજકોટને ઉનાળામાં પાણીની કટોકટી ન જોવી પડે તે જોવા અધિકારીઓને તાકીદ કરી હતી.

આ ઉપરાંત ટાઉન પ્લાનિંગની અનેક ડ્રાફટ સ્કિમની મંજૂરી બાકી હોય તે આપવા રજૂઆત કરી હતી. જેના અનુસંધાને પણ મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિસાાદ આપ્યો હતો. તેમજ માધાપર અન્ડરપાસ અંગે પણ ચર્ચા થતા તેની ફાઇલ પણ મુખ્યમંત્રીએ જોઇ લીધાની અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાશે તેવી ખાતરી આપ્યાનું જણાવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વર્ગ-1ની બે જગ્યા ખાલી પણ ટૂંક સમયમાં ભરી દેવાશે તેવી ખાતરી આપ્યાનું દંડક મનીષ રાડિયાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *