સંસદમાં સવાલ પૂછવાના બદલામાં રુપિયા લેવાના કેસમાં ફસાયેલા TMC સાંસદ મહુઆ મોઇત્રાએ નવા આરોપો લગાવ્યા છે. મહુઆ ગુરુવાર 2 નવેમ્બરના રોજ એથિક્સ કમિટી સમક્ષ હાજર થયા હતા. તેમણે કમિટીના અધ્યક્ષ વિનોદ સોનકર વિશે કહ્યું કે તેમણે શબ્દોથી મારું વસ્ત્રાહરણ કર્યું. અધ્યક્ષે જાણી જોઈને અપમાનજનક સવાલો પૂછ્યા. તેમણે આ બધું એથિક્સ કમિટીના તમામ સભ્યોની સામે જ કર્યું હતું.
મહુઆના આ નિવેદન બાદ તેમની પાર્ટી TMCએ એથિક્સ કમિટીના અધ્યક્ષની તુલના ધૃતરાષ્ટ્ર સાથે કરી છે. જ્યારે બાકીના સભ્યોને દુર્યોધન જેવા ગણાવ્યા છે. પશ્ચિમ બંગાળના મંત્રી શશિ પંજાએ કહ્યું- પેનલે તેમની વિરુદ્ધ સુનાવણી દરમિયાન ચૂંટાયેલા મહિલા સાંસદનું અપમાન કર્યું. જ્યારે પેનલના સભ્યો “દુર્યોધન”ની જેમ મજા કરી રહ્યા હતા, ત્યારે અધ્યક્ષ “ધૃતરાષ્ટ્ર”ની જેમ બેઠા હતા.
બીજી તરફ મહુઆએ આ અંગે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. આમાં મહુઆએ એમ પણ લખ્યું હતું કે અધ્યક્ષ વિનોદ સોનકરનું વર્તન અનૈતિક, ઘૃણાસ્પદ અને પૂર્વગ્રહથી ભરેલું હતું.