લોધિકા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિલેશ ઘાસોટિયાએ ફરિયાદી પાસેથી સોલ્વન્સી સર્ટિફિકેટ કઢાવવાના રૂ.10 હજારની લાંચ માગી હતી. જેમાં રૂ.6500ની લાંચ લેતા રંગે હાથ પકડાવાના કેસમાં રાજકોટની ખાસ અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી સાત વર્ષની સજા અને રૂ.25 હજારનો દંડ ફરમાવ્યો છે.
આ કેસની વિગતો મુજબ ફરિયાદી જગદીશભાઇ ચોવટિયાએ સને 2017માં ગોંડલની કોર્ટમાં જમીનદારનું સોલ્વન્સી સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય આ સર્ટિફિકેટ કઢાવવા માટે લોધિકા ખાતેની મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા આરોપી નિલેશ અમરશીભાઇ ઘાસોટિયાનો સંપર્ક કરી સોલ્વન્સી અંગે વાત કરતા તેને રૂ.10 હજારની લાંચની માંગ કરી હતી.જે રકજકના અંતે રૂ.6500માં નક્કી થયેલ. તા.14-11-17ના રોજ આરોપીને ફોન કરી રકમ લઇ જવા માટે બોલાવતા આરોપી આત્મીય કોલેજ પાસે પૈસા લેવા આવતા ટ્રેપ ગોઠવી એસીબીએ લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.