અમેરિકામાં વર્ગખંડની હવા બહારની હવા કરતાં 5 ગણી દૂષિત છે

અમેરિકાના ટોચના વિજ્ઞાની અને શિક્ષકો વર્ગખંડની અંદરની હવાને સ્વચ્છ રાખવા માટે સતત નવી રીતોની શોધ કરી રહ્યા છે. અમેરિકામાં સરેરાશ શાળાની ઇમારતો 50 વર્ષ જૂની છે. સરકાર દ્વારા 2020માં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ 41 ટકાથી વધુ સ્કૂલોમાં હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે.

આવી આશરે 36,000 ઇમારતો છે. વર્ગખંડની હવા રોગજન્ય તત્ત્વોની સાથે સાથે કાર્બન મોનોક્સાઇડ, રેડોન અને લેડ કણો જેવાં અનેક પ્રકારનાં પ્રદૂષકોના કારણે દૂષિત થઇ શકે છે. પર્યાવરણ સંરક્ષણ એજન્સીના કહેવા મુજબ બહારની સરખામણીમાં વર્ગખંડની અંદર આ પ્રકારનાં પ્રદૂષકોનું સ્તર પાંચ ગણા કરતાં પણ વધારે હોઇ શકે છે.

સીડીસીના સંશોધકો અને જ્યોર્જિયાના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે કોરોના બાદ 169 શાળામાં અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. જે શાળામાં વેન્ટિલેશનની સ્થિતિને સુધારવામાં આવી હતી ત્યાં કોરોનાના 39 ટકા કેસ ઓછા જોવા મળ્યા હતા. જે શાળાઓમાં વેન્ટિલેશનની સ્થિતિને સુધારવાની સાથે સાથે એર ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાં કોરોનાના 48 ટકા કેસ ઓછા જોવા મળ્યા હતા.

એક અન્ય અભ્યાસમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે ખુલ્લી બારીઓવાળા વર્ગખંડની સરખામણીમાં સારી વેન્ટિલેશન વ્યવસ્થા અને એર ફિલ્ટર જેવાં સાધનો ધરાવનાર વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે સંક્રમણ ફેલાવવાનો ખતરો 74 ટકા સુધી ઓછો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *