નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની તાજેતરમાં જ મળેલી બોર્ડની બેઠકમાં વર્ષ 2025-26નું 202 કરોડ 16 લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જો કે દેખીતી રીતે આ રકમ ખુબ મોટી લાગે અને પ્રથમ દ્દષ્ટિએ 202 કરોડનો આંકડો વાંચીને કોઈને એવું લાગે કે વિદ્યાર્થીઓ પાછળ આ રકમ ખર્ચવાની હશે પરંતુ શિક્ષણ સમિતિના કુલ બજેટમાંથી આશરે 99% એટલે કે 202.16 કરોડમાંથી 200 કરોડ તો માત્ર અધિકારીઓ, શિક્ષકો, કર્મચારીઓના પગાર પાછળ ખર્ચવાના છે.
બાકી વધેલી 2 કરોડની રકમ જ વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમો સહિતની બાબતો પાછળ ખર્ચાશે. બોર્ડની બેઠકમાં શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલી શિક્ષણ સમિતિની 10 જેટલી સ્કૂલમાં ધોરણ 9 અને 10ના વર્ગો પણ શરૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત નવા ડેવલોપ થયેલા કેટલાક વિસ્તારોમાં નવી 5 શાળાઓ પણ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બોર્ડ બેઠકમાં સને 2025-26નું 202 કરોડ, 16 લાખનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. બજેટ રજૂ કરતા ચેરમેન વિક્રમ પૂજારા અને વાઈસ ચેરમેન ડો. પ્રવીણ નિમાવતે જણાવ્યું કે જરૂરિયાત મુજબના વિસ્તારમા નવી શાળા નિર્માણ કરાશે અને જે શાળાઓમાં જરૂરિયાત હશે તે મુજબના નવા વર્ગખંડો બાંધકામ કરવામાં આવશે. જેનાથી આસપાસ રહેતા લોકોને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા મળી રહેશે. તેમજ નવા વિસ્તારની મુંજકા-માધાપરની શાળાઓ શિક્ષણ સમિતિમાં ભળતા તેમને આધુનિક ભૌતિક સુવિધાઓથી સજજ કરવી અને ધો-8 સુધીનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ધો. 9 અને 10ના વર્ગોની શિક્ષણ સમિતિમાં જ શરૂઆત કરવા અંગેની ચર્ચા-વિચારણા કરવામાં આવી છે.