ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પ્રિલિમ્સની પરીક્ષાની તારીખમાં બદલાવ કરાયો છે. જેઈઈ મેઈન્સની પરીક્ષા અને ધો.12 સાયન્સની પ્રિલિમ પરીક્ષા એકસરખા જ સમય દરમિયાન આયોજિત થતા હવે ધો.12 સાયન્સની પ્રિલિમ પરીક્ષાની તારીખ બદલી છે. ધો.12 સાયન્સનીની પ્રિલિમ પરીક્ષા હવે 16થી 21 જાન્યુઆરી દરમિયાન લેવાશે. જ્યારે જેઈઈ મેઈન્સની પરીક્ષા 22થી 31 જાન્યુઆરી દરમિયાન લેવાનાર છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, શૈક્ષણિક વર્ષ-2024-25નું શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-9થી 12ની પ્રિલિમ, દ્વિતીય પરીક્ષા તા.20થી 28 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવનાર હતી, પરંતુ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ અને અમદાવાદ શહેર આચાર્ય સંઘ દ્વારા મળેલી રજૂઆત મુજબ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની જેઈઈ-મેઈનની પરીક્ષા તા.22થી 31 જાન્યુઆરી દરમિયાન યોજાનાર હોવાથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલિમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટે વિનંતી કરી હતી. જેથી તેની તારીખોમાં બદલાવ કર્યો છે.