રાજકોટમાં નવરાત્રિ દરમિયાન નીલ સિટી ક્લબના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વિશ્વ હિન્દુ પરિષદ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. VHPના કાર્યકરોને ક્લબમાં ચેકિંગ માટે રોક્યા બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ VHPના કાર્યકરોને ધર્મ સમજાવી ગાળો ભાંડી હતી, સાથે મારી પાસે 150 લઘુમતી સમાજના લોકો છે, કરશો તમે તેમનો સામનો’ના નિવેદન સામે આવ્યું હતું.
ત્યારે હવે VHPના આગેવાન મંગેશ દેસાઈએ ઉગ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે તેઓ માત્ર જનજાગૃતિ માટે જ ગયા હતા અને ચેકિંગમાં સહયોગ મળે એ માટે સ્ટેજ પરથી જાહેરાત કરવાની વાત કરી હતી, પરંતુ આયોજક કદાચ પીધેલી હાલતમાં હોય એમ તેમણે અભદ્ર વર્તન કર્યું હતું. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ‘150 લઘુમતીને લડવા મોકલીશ’ એવા શબ્દો વાપરતા VHPએ તેમને ‘150 નહીં, 1500 લોકોને બોલાવો, અમે લડવા તૈયાર છીએ” કહીને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
27 સપ્ટેમ્બર, બુધવારને રાત્રે રાજકોટની નીલ સિટી ક્લબ બહાર નવરાત્રિ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને કોંગી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે બબાલ સર્જાઈ હતી. એ દરમિયાન કોંગી નેતાએ VHPના કાર્યકર્તાઓને ભાજપના ગણાવી ગાળો ભાંડી હતી, જે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્યારે હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુની પ્રતિક્રિયા સામે આવી છે.
હવે આરાધનાની વ્યાખ્યા શું ગૃહમંત્રી નક્કી કરશે ?: કોંગી પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના નેતા અને નીલસિટી ક્લબના આયોજક ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે સિટી ક્લબમાં બબાલ હતી જ નહીં. ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ RSS, બજરંગ દળ, VHPના કાર્યકર્તાઓને ઝેર પાઇને તેના મતના રાજકારણ માટે મેદાનમાં મૂકી દેતા હોય છે. VHPના લોકો ગઈકાલે આવ્યા હતા અને એમાં પોલીસના આગ્રહને કારણે પાંચ લોકોને હું મળ્યો હતો અને તેને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો હતો અને તેઓ રાજીખુશીથી પાછા ગયા હતા. ભાજપ બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓનો ઉપયોગ કરે છે. હવે આરાધનાની વ્યાખ્યા શું ગૃહમંત્રી નક્કી કરશે ?. કહી ભાજપ પર આકરા પ્રહાર કર્યો હતો.