ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામમાં ગોટાળા સામે આવતા આજે પ્રદેશ NSUI પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ CBRT (કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ) રદ કરવાની માગ કરવામાં આવી હતી. NSUIના કાર્યકરોએ કલેક્ટરની ઓફિસ બહાર વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો…હાય રે ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. બાદમાં કલેક્ટર ઓફિસની અંદર જવા પ્રયાસ કરતા પોલીસ તેમને પકડ્યા હતા. આથી પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દૃશ્યો જોવા મળ્યા હતા. એક કાર્યકર પોલીસવાન પર ચડી ગયો હતો. કાર્યકરો કલેક્ટર ઓફિસમાં ઘૂસે એ પહેલા પોલીસે એક એકને ખેચીને અટકાયત કરી હતી. પોલીસ 6 કાર્યકરની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
NSUIના કાર્યકરોએ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા. જ્યારે કલેક્ટરને રજૂઆત માટે માત્ર 10 વિદ્યાર્થીઓની પરમિશન આપવામાં આવતા NSUI પ્રમુખે તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી રજૂઆતનો આગ્રહ કરતા પોલીસે પ્રદેશ પ્રમુખ સહિત 6 વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.