તમને 25 લાખની લોટરી લાગી છે કહી રૂ.35 હજાર પડાવી લીધા


સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગ ટોળકી દ્વારા જુદા જુદા બહાને નાણાં પડાવી લેવાના બનાવો વધી રહ્યાં છે. રૂપિયા મેળવવાની લાલચમાં અગાઉ અનેક લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે. આવા કિસ્સાઓ સમયાંતરે પ્રકાશમાં આવતા રહે છે તેમ છતાં લોકો લાલચને કારણે નાણાં ગુમાવી રહ્યાં છે. ત્યારે સાયબર ફ્રોડના બનાવો અટકાવવા શહેર પોલીસ કાર્યરત થઇ નાણાં ગુમાવનાર લોકોના ટેક્નિકલ સોર્સિસની મદદથી નાણાં પરત અપાવી રહી છે. આવા જ ચાર કિસ્સામાં જુદા જુદા કારણોસર સાયબર ફ્રોડનો શિકાર બનેલા લોકોને થોરાળા અને ગાંધીગ્રામ પોલીસે કુલ રૂ.85,386ની રકમ પરત અપાવડાવી છે.

પ્રથમ કિસ્સામાં ખોડિયારપરા આજી વસાવહત-8માં રહેતા કિશન બુધ્ધાભાઇ નંદાશિયા નામના યુવાનને રૂ.25 લાખની લોટરી લાગી હોવાનો સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ મળી હતી. જે લોટરીની રકમ મેળવવાની લાલચમાં પાંચ તબક્કે કુલ રૂ.35,300 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. અંતે લોટરી તો ન લાગી પણ ટ્રાન્સફર કરેલા નાણાં પણ યુવાને ગુમાવવાનો વખત આવ્યો હતો.

બીજા કિસ્સામાં સોશિયલ મીડિયામાં જાણીતી કંપનીના એરપોર્ડ માત્ર રૂ.4 હજારમાંની જાહેરાત વાંચી કુવાડવા રોડ પર રહેતા વિશાલ મુકુંદભાઇ કોઠારી નામના યુવાને ક્યુઆરકોડથી પેમેન્ટ કરતા તેના ખાતામાંથી પળવારમાં રૂ.8251ની રકમ ઉપડી ગઇ હતી.

ત્રીજા કિસ્સામાં ક્રેડિટ કાર્ડ અપડેટ કરવાના બહાને તેમજ વધારે પોઇન્ટ મેળવવાની લાલચમાં ધર્મેશ ચંદુભાઇ શિશાંગિયાએ અને અશ્વિનભાઇ હરજીવનભાઇ કોઠારીએ બેંકની સઘળી માહિતી ચીટરને આપતાની સાથે જ બેંક ખાતામાંથી રૂ.20 હજાર અને 21,835ની રકમ ઉપડી ગઇ હતી. આમ ચારેય યુવાનો સાયબર ફ્રોડનો શિકાર બનતા થોરાળા અને ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી જે ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા હતા. તે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી બેંકના સહયોગથી નાણાં ગુમાવનાર લોકોને નાણાં પરત અપાવડાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *