બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન પદેથી રાજીનામું આપનાર શેખ હસીના હાલ ભારતમાં જ રહેશે. તેમના પુત્ર વાઝેદ જોયે જર્મન વેબસાઈટ DWને જણાવ્યું કે હસીનાનો હાલમાં બીજે ક્યાંય જવાનો કોઈ પ્લાન નથી. તેમણે કોઈપણ દેશ પાસેથી રાજકીય આશરો માંગ્યો નથી.
બીજી તરફ, બાંગ્લાદેશમાં હસીનાની પાર્ટી અવામી લીગ અને તેના સહયોગી સાથે જોડાયેલા લગભગ 29 નેતાઓની હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશી અભિનેતા શાંતો ખાન અને તેના પિતા સલીમ ખાનની પણ ટોળાએ હત્યા કરી હતી. સલીમ અવામી લીગ પાર્ટી સાથે સંકળાયેલા હતા.
બાંગ્લાદેશમાં સુરક્ષાના કારણોસર ભારતીય દૂતાવાસના 190 કર્મચારીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે બાંગ્લાદેશમાં આંદોલનનું નેતૃત્વ કરનારા વિદ્યાર્થીઓની ભલામણને પગલે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શેખ હસીનાએ 5 ઓગસ્ટે બાંગ્લાદેશ છોડી દીધું હતું. તેઓ સેનાના વિમાન દ્વારા ભારત આવ્યા હતા. હાલ તેમને સેફ હાઉસમાં રાખવામાં આવ્યા છે.