સિટી બસના ચાલકોની હડતાલ, ડેપો મેનેજર ભાગી ગયા

રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે ચાર-ચાર નિર્દોષ વ્યક્તિને સિટી બસે કચડીને મારી નાખ્યાની ઘટનાની શાહી પણ હજુ સુકાઇ નથી ત્યાં મહાનગરપાલિકાના અટલ સરોવર ડેપોના બસના ચાલકો મહાનગરપાલિકાનું નાક દબાવવા પ્રયાસ કરતા ભારે ચકચાર જાગી છે. ઇલેક્ટ્રિક બસોની એજન્સીના ડ્રાઇવરોએ શુક્રવારે સલામતીના મુદ્દે વીજળિક હડતાલ પાડી દેતા અને અટલ સરોવર ડેપોના મેનેજર ભાગી જતા 75 સિટી બસો ડેપોમાંથી બહાર જ નીકળી ન હતી અને હજારો મુસાફરો સિટી બસની સુવિધા વગર કાળઝાળ ગરમીમાં હેરાન થયા હતા. સિટી બસોના પૈડાં થંભી જતા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ આ મુદ્દે દિલ્હી પીએમઆઇ એજન્સીના માલિકોને જાણ કરી હતી અને તેમના એક ડાયરેક્ટર રાજકોટ આવવા રવાના થઇ ગયા છે. સાંજે તેમની સાથે તાકીદની બેઠક ગોઠવવામાં આવ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ મહાનગરપાલિકાના રાજકોટ રાજપથ લી.ના જનરલ મેનેજર પી.ડી.અઢિયાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી ખાતે આવેલા અટલ સરોવર ડેપો ખાતેથી દરરોજ 74 સિટી બસ ઉપડે છે. પરંતુ શુક્રવારે સવારે ડ્રાઇવરોએ અકસ્માત સર્જનાર ચાલકની ગંભીર હાલતનું કારણ રજૂ કરી પોતાની સલામતીનું શું ? તેવો સવાલ ઉઠાવી બસો ચલાવવાનો ઇન્કાર કરી દીધો હતો અને હડતાલ પર ઉતરી ગયા હતા. દરમિયાનમાં બીજીબાજુ સવારથી સિટી બસની રાહ જોતા મુસાફરોએ આ મુદ્દે મહાપાલિકાના જવાબદારોનો સંપર્ક કરતા તેઓને બસચાલકોની હડતાલની જાણ થઇ હતી અને તાત્કાલિક પીએમઆઇ એજન્સીના સ્થાનિક અધિકારી જસ્મીન રાઠોડનો સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આથી વિશ્વમ સિટી બસ ઓપરેશન પ્રા.લી.નો સંપર્ક કરતા તેના તમામ જવાબદાર અધિકારીઓ પણ ફોન સ્વીચ ઓફ કરી દેતા અને ડેપો મેનેજર ઓફિસને તાળું મારીને ચાલ્યા જતા પીએમઆઇ એજન્સીને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પીએમઆઇ એજન્સીના ડાયરેક્ટર રાજકોટ આવવા રવાના થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *