ચાર વ્યક્તિને ભરખી જનાર સિટી બસની એજન્સી વિશ્વમના સુપરવાઇઝરની ધરપકડ

શહેરના ઇન્દિરા સર્કલ પાસે તા.16 એપ્રિલના સવારે બેફામ બનેલી સિટી બસે ચાર વ્યક્તિને કચડી માર્યા હતા અને છ વ્યક્તિને ઇજા થઇ હતી, આ મામલામાં પોલીસે સાપરાધ મનુષ્યવધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બસના ચાલક શિશુપાલસિંહ રાણાની અગાઉ ધરપકડ કરી હતી અને લાઇસન્સની મુદત પૂરી થઇ ગઇ હોવા છતાં તેને બસ સોંપનાર વિશ્વમ કંપનીના સુપરવાઇઝર નિલેશ ચાવડાની પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી.

કોટેચા ચોકથી યુનિવર્સિટી તરફ જઇ રહેલી સિટી બસ ઇન્દિરા સર્કલ પાસે તા.16ના સવારે સિગ્નલ બંધ હોય ઊભી રહી હતી અને ગ્રીન સિગ્નલ થતાં જ બસ આગળ વધી હતી અને આગળ જઇ રહેલા વાહનોને ઉલાળ્યા હતા, આ ગોઝારી ઘટનામાં મહાનગરપાલિકાની ઓડિટ શાખાના કર્મચારી, યુનિવર્સિટીના હંગામી કર્મચારી અને બે મહિલા સહિત ચારના મોત નીપજ્યા હતા જ્યારે છ લોકોને ઇજા થઇ હતી, રોષે ભરાયેલા લોકોએ બસના ચાલક રતનપર રહેતા શિશુપાલસિંહ દિલુભા રાણાની ધોલાઇ કરી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ગાંધીગ્રામ પોલીસે હોસ્પિટલમાંથી રજા અપાતાં બસચાલક શિશુપાલસિંહ રાણાની સાપરાધમનુષ્યવધના ગુનામાં ધરપકડ કરી હતી. મહાનગર સંચાલિત સિટી બસની સેવાનો મુખ્ય કોન્ટ્રાક્ટ પીએમઆઇ કંપનીને અપાયો હતો અને આ કંપનીએ રાજકોટમાં વહીવટ સંભાળવા અને મનપા સાથે વહીવટી કામ સહિતની કામગીરી માટે વિશ્વમ કંપનીને જવાબદારી સોંપી હતી, આ વિશ્વમ કંપનીના સુપરવાઇઝર-ડ્યૂટી ઓફિસરે દરરોજ બસ અને ડ્રાઇવરની તપાસ કર્યા બાદ જ બસ ડેપોની બહાર કાઢવાની મંજૂરી આપવાની હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *