કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે છેલ્લા 35 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓ ભૂમંગલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ત્યારે પ્રોજેક્ટ ઉડાન અંતર્ગત રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં જઇ બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને જે બાળકો શાળા સુધી પહોંચી નથી શકતા ત્યાં જઇ સ્કૂલની બસમાં અક્ષરજ્ઞાન આપવામાં આવે છે. અને તેમાં પણ જો કોઇ જરૂરિયાતમંદ અને અભ્યાસમાં રુચિ ધરાવતા બાળકો અભ્યાસ માટે આગળ આવે તો તેમને પોતાના ખર્ચે શહેરની ખાનગી શાળામાં નિ:શુલ્ક એડમિશન અપાવી શિક્ષણ પૂરું પાડવામાં માધ્યમ બને છે.
અત્યાર સુધીમાં 400 જેટલા બાળકોને સ્કૂલમાં નિ:શુલ્ક એડમિશન અપાવ્યા છે તેમજ તે બાળકો શિક્ષણની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ આગળ વધે તે માટે અલગ અલગ રમતગમતનું આયોજન કરી નિષ્ણાત દ્વારા જરૂરી માર્ગદર્શન અને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. આ અંતર્ગત અનેક બાળકો ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષા સુધી પહોંચી પોતાની કલાનું પ્રદર્શન કરી ચૂક્યા છે.
આ શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સાથે તેવી મહિલા કે જેને લખતા-વાંચતા નથી આવડતું અને પોતાની સહી નથી કરી શકતા તેવી મહિલાઓને આગામી 20 મેને મંગળવારથી દરરોજ સાંજે 7થી 9.30 કલાક સુધી નિષ્ણાત શિક્ષકોની ટીમ વાંચન લખતા શીખવાડી રહી છે. અને પોતે કોઇ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સંસ્થા માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓને બેંક સહિતના અનેક કાર્યમાં મુશ્કેલી ન પડે તે માટે સહી કરતા શીખવવામાં આવે છે. આગામી સમયમાં રાજકોટના મોટાભાગના વિસ્તારમાં આ પ્રવૃત્તિ કાર્યરત કરવામાં આવશે.