અષાઢ સુદ અગિયારસ બુધવારે 17 જુલાઈના રોજ દેવપોઢી એકાદશી છે. આ જ દિવસે નાની બાળાઓના મોળાકાત વ્રત શરૂ થશે અને સાથોસાથ ચાતુર્માસનો પણ પ્રારંભ થશે. જ્યારે જયાપાર્વતીના વ્રતનો પ્રારંભ 19 જુલાઈ શુક્રવારથી થશે. 21 જુલાઈ રવિવારે ગુરુપૂર્ણિમા અને મોળાકત વ્રતનું જાગરણ છે. જ્યારે 23 જુલાઈને મંગળવારના રોજ જયાપાર્વતી વ્રતનું જાગરણ છે. 25 જુલાઈના રોજ લોહાણાની નાગપાંચમ છે. એવરત-જીવરતવ્રત દિવાસોનું જાગરણ 4 ઓગસ્ટ અને રવિવારે છે. 5 ઓગસ્ટથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. શ્રાવણમાં આ વખતે ચારના બદલે પાંચ સોમવાર આવશે. શિવ ભક્તિનો અનોખો સંયોગ રચાશે.
શ્રાવણ માસની શરૂઆત જ સોમવારથી થાય છે. એ સિવાય રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા મહત્ત્વના તહેવાર પણ સોમવારે આવે છે. શ્રાવણ મહિનામાં સોમવારનું મહત્ત્વ વિશેષ બની રહેતું હોય છે. ત્યારે ચારના બદલે પાંચ સોમવાર આવતા હોવાને કારણે શિવભક્તોને મહાદેવજીની વિશેષ પૂજાનો લહાવો મળશે. શ્રાવણ મહિનામાં અમાસની વૃદ્ધિ તિથિ હોવાથી 3 સપ્ટેમ્બર મંગળવારે શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ થશે. આ વર્ષે શ્રાવણ મહિનો પૂરા 30 દિવસનો રહેશે. અમાસની વૃદ્ધિ તિથિ પણ છે, તેથી શિવભક્તોને સોમવતી અમાસે વિશેષ પૂજાનો લહાવો મળશે. રાજકોટના રામનાથ મંદિર, ધારેશ્વર મંદિર, પંચનાથ મંદિર, મહાકાલેશ્વર સહિતના શિવ મંદિરે ઉજવણી થશે.