નવરાત્રિ પૂર્ણ થવાને આરે છે ત્યારે ફક્ત બે દિવસો બાકી રહ્યા છે. તેવામાં હવામાન વિભાગે ખેલૈયાઓને નાખુશ કરતી આગાહી વ્યક્ત કરી છે. કારણ કે, ગતરોજ લક્ષદ્વીપ પાસે અરબ સાગરમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે વધુ મજબૂત બનીને હાલમાં વેલમાર્ક લો પ્રેશર તરીકે સક્રિય થયું છે. જે કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે તે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. જેને કારણે આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. કારણ કે, હાલમાં જે વેલમાર્ક લો પ્રેશર ગોવા અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં સક્રિય છે તે બેથી ત્રણ દિવસ બાદ હજુ પણ વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે. હાલમાં આ વેલ લો પ્રેશરની સ્થિતિ પૂર્વ મધ્ય અરબ સાગરમાં છે જે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવસારી સુધી રાજ્યભરમાંથી ચોમાસાની વિદાય લીધી છે. ત્યારે આજે વરસાદ વરસી રહ્યો છે તે કમોસમી વરસાદ છે. સામાન્ય રીતે ચોમાસાની પૂર્ણાહુતિ બાદ આ પ્રકારે કેટલાક ભાગોમાં છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસતા હોય છે.