જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય યથાવત્ રહેશે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સોમવારે ચુકાદો સંભળાવ્યો હતો. CJI ચંદ્રચુડે કહ્યું- કલમ 370 અસ્થાયી વ્યવસ્થા હતી. બંધારણની કલમ 1 અને 370થી સ્પષ્ટ છે કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતીય બંધારણની તમામ જોગવાઈઓ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ થઈ શકે છે.
કોર્ટે કહ્યું- અમે કલમ 370 નાબૂદ કરવાના રાષ્ટ્રપતિના બંધારણીય આદેશને માન્ય ગણીએ છીએ. અમે જમ્મુ અને કાશ્મીરમાંથી લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયની માન્યતા જાળવી રાખીએ છીએ. આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં કરાવવી જોઈએ.
CJIએ કહ્યું કે કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય નહીં. આમ કરવાથી અરાજકતા ફેલાશે. જો કેન્દ્રનો નિર્ણય કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી કરી રહ્યો હોય તો જ તેને પડકારી શકાય.
કોર્ટે કહ્યું કે કલમ 356 પછી એ કહેવું યોગ્ય નથી કે કેન્દ્ર માત્ર સંસદ દ્વારા જ કાયદો બનાવી શકે છે. CJIએ કહ્યું કે આ ચુકાદામાં 3 જજના જજમેન્ટ સામેલ છે. એક ચુકાદો ચીફ જસ્ટિસ, જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્તનો છે. બીજો ચુકાદો જસ્ટિસ કૌલનો છે. જસ્ટિસ ખન્ના બંને ચુકાદા સાથે સહમત છે.