બંધકોને છોડશે પછી જ સીઝફાયર!

ઇઝરાયલ-હમાસ યુદ્ધનો આજે 29મો દિવસ છે. શુક્રવારે રાત્રે ઇઝરાયલે અલ-શિફા હોસ્પિટલ નજીક એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર આ હુમલામાં 13 લોકોનાં મોત થયા હતા. ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે હમાસના આતંકીઓ આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી રહ્યા હતા.

શુક્રવારે લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહે ઇઝરાયલ અને અમેરિકાને વિનાશની સીધી ધમકી આપી હતી. નસરાલ્લાહે કહ્યું, ઇઝરાયલ અને પશ્ચિમી દેશોમાં તેમના સમર્થકોને ‘મોટો ફટકો’ આપવાની જરૂર છે, જેથી તેઓ હચમચી જાય. આ ફટકો એટલો મોટો હોવો જોઈએ કે તે વોશિંગ્ટન અને લંડનમાં કબજે કરી રહેલા યહૂદીઓના સમર્થકોને હલાવી શકે.

આના થોડા સમય બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું- અમારા દુશ્મનો અને હિઝબુલ્લાને સારી રીતે સમજવું જોઈએ કે જો તેઓ કંઈ પણ કરશે તો તેમને તેની કિંમત ચૂકવવી પડશે જેની તેઓ કલ્પના પણ કરી શકતા નથી.

નેતન્યાહુએ માનવતાવાદી સહાય માટે અસ્થાયી યુદ્ધવિરામની અમેરિકાની માગને પણ નકારી કાઢી હતી. નેતન્યાહુએ કહ્યું- મેં અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકન સાથે વાત કરી છે. મેં તેમને કહ્યું છે કે જ્યાં સુધી તમામ બંધકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે યુદ્ધવિરામ વિશે વિચારી પણ ન શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *