ગુજરાત બોર્ડની જેમ જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન પણ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લે છે જેને કમ્પાર્ટમેન્ટ પરીક્ષા કહેવામાં આવે છે. સીબીએસઈ દ્વારા ફેબ્રુઆરીથી એપ્રિલ-2024 દરમિયાન લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં નાપાસ થયેલા કે પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓની કમ્પાર્ટમેન્ટ પરીક્ષા તારીખ 15 જુલાઈથી શરૂ થશે. આ માટે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની હોલટિકિટ અપલોડ કરી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ પર જઈને હોલટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે.
ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષા તાજેતરમાં જ પૂર્ણ થઇ છે, હાલ બોર્ડની પૂરક પરીક્ષાની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને ચાલુ મહિનાના અંત સુધીમાં જ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષા બાદ હવે આગામી તારીખ 15 જુલાઈથી સેન્ટ્રલ બોર્ડની પૂરક પરીક્ષા શરૂ થવાની છે. બોર્ડ દ્વારા કમ્પાર્ટમેન્ટ પરીક્ષા માટે ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓ માટેના એડમિટ કાર્ડ અપલોડ કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે હોલટિકિટ સીબીએસઈ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈને ડાઉનલોડ કરવાની રહેશે.