સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધો.10 અને 12ની થિયરીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. પરંતુ તે પહેલા વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો તણાવ ઓછો કરવા માટે સીબીએસઈ તારીખ 1 ફેબ્રુઆરી એટલે કે આજથી કેન્દ્રીય બોર્ડના ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓનું ફ્રી કાઉન્સેલિંગ શરૂ કરશે. જેમાં 66 જેટલા કાઉન્સેલર વિદ્યાર્થીઓને ટાઈમ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ શીખવશે. બોર્ડના જણાવ્યા અનુસાર, આ કાઉન્સેલિંગનો હેતુ પરીક્ષાના તણાવને ઓછો કરવાની સાથે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાઓની તૈયારી કરવામાં મદદ કરવાનો છે.
આ પહેલના ભાગરૂપે CBSE તેનું કાઉન્સેલિંગ ધોરણ 10 અને 12ની પરીક્ષા પહેલા, પરીક્ષા દરમિયાન અને પરિણામ જાહેર થયા પછી પણ સીબીએસઈએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે જેમાં ફોન કરીને વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગ માટે મદદ માંગી શકે છે. કોઈપણ પ્રકારના પ્રશ્નો અને મૂંઝવણ માટે CBSEએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. વિદ્યાર્થીઓ 1800-11-8004 પર ટોલ-ફ્રી IVRS સેવાનો ઉપયોગ કરી શકે છે. આનાથી તેઓ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં 24 કલાક મદદ મેળવી શકશે.