રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ સેન્ટ્રલ જીએસટી વિભાગની કચેરીમાં સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. રેસકોર્સ રિંગ રોડ પર આવેલ સેન્ટ્રલ GSTની કચેરીમાં ત્રીજા માળે CBIના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે તપાસ પૂર્ણ થયા બાદ સત્તાવાર માહિતી CBI દ્વારા જાહેર કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, થોડા સમય પૂર્વે સેન્ટ્રલ GSTના અધિકારીઓ દ્વારા નોટિસ આપ્યા વગર કેટલાક વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સેટલમેન્ટ માટે મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. જે અંગેની ફરિયાદ મળતા CBI દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ સેન્ટ્રલ GST વિભાગના અધિકારીઓ દ્વારા થોડા સમય પૂર્વે સમન્સ વગર કેટલાક વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતાં. દરમિયાન આ વેપારીઓને ત્યાં ગેરરીતિ થતી હોવાનું કહી આ બાબતે સેટલમેન્ટ કરવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. જો કે, વેપારી દ્વારા સેટલમેન્ટ રકમમાં બાંધછોડ કરવા માટે આજીજી કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ ટસના મસ થયા ન હતા. સેટલમેન્ટ માટે આટલા રૂપિયા આપવા જ પડશે, તેવું કહેતા આ સેટલમેન્ટ અંગેની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. જેના કારણે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સેન્ટ્રલ જીએસટી વિભાગ સીબીઆઈની રડારમાં હતું અને આજે તપાસ શરૂ કરવામાં આવી છે.