રાજકોટ મહાનગરપાલિકાએ ઢોર ડબ્બાના સંચાલનનો કોન્ટ્રાક્ટ જીવદયા ઘર નામની સંસ્થાને સોંપ્યો છે. જેના કોન્ટ્રાક્ટર રાજેન્દ્ર અને યશ શાહની નફાખોરીને કારણે રોજ ઘણી ગાયો મોતને ભેટી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે, પોતાને સમાજ અગ્રણી જણાવતા શાહે પર્યુષણ પર્વ વખતે જ ગાયોની સારવાર બંધ કરી દીધી છે. વેટરનરી ડોક્ટરનો ખર્ચ ન કરવો પડે તે માટે 11 ઓગસ્ટથી એકપણ ગાયની સારવાર કરી ન હતી. ટ્રક ભરીને મૃતદેહો નીકળતા ભાસ્કરે મામલો બહાર લાવ્યો હતો ત્યારબાદ 30 ઓગસ્ટથી સારવાર કરાઈ રહી છે. આ ગંભીર નફાખોરી સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે કોંગ્રેસ સેવાદળ સહિતના ગૌપ્રેમીઓએ થોરાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં તેઓએ રાજેન્દ્ર શાહ ગાયના હત્યારા હોવાના પોસ્ટર સાથે ગુનો નોંધવા માંગ કરી છે. રણજિત મુંધવાએ પોલીસને લેખિતમાં અરજી આપી ગુનો નોંધવાની માંગ કરી હતી. જેમાં લખ્યું છે કે, જીવદયા ટ્રસ્ટના રાજેન્દ્ર શાહ અને તેનો પુત્ર યશ મનપાના ઢોર ડબ્બાનું સંચાલન કરે છે. આ સ્થળે 1000થી વધુ ગાય રાખવામાં આવી છે પણ નીરણ કે પાણી આપવામાં આવતા નથી. સાથે જ સારવાર માટે ડોક્ટર નથી ફક્ત ફંડ ફાળા માટે જ જીવદયાનું નામ વટાવે છે. નીરણ, પાણીના અભાવે રોજ 20થી 25 ગાયનાં મોત થઈ રહ્યા છે જ્યારે કોન્ટ્રાક્ટર રજાઓ માણી રહ્યા છે. ગાયોને સારવાર ન આપી, ખોરાક ન આપવો અને ગંદકીમાં રાખવા તે પણ પશુ ક્રૂરતા એક્ટ મુજબ ગુનો બને છે તો આ અરજીને આધારે ગુનો દાખલ કરવો તેમજ જેટલા પણ પુરાવા જોતા હશે તેની સાથે પોલીસ સ્ટેશન અને કોર્ટમાં પણ ગૌપ્રેમીઓ હાજરી આપશે તેવું પણ જણાવ્યું હતું.