ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર થતાની સાથે જ કોલેજોમાં એડમિશન માટે રાજકોટના બહુમાળી ભવનમાં જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે રાશનની દુકાનની માફક લાંબી કતાર જોવા મળી રહી છે. આકરા તાપમાં ઊભા રહી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ ગયા છે, ત્યારે અહીં એક પણ પ્રકારની ટોકન સિસ્ટમ નથી. હીટવેવ વચ્ચે બારી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. ત્યારે કોઈ વિદ્યાર્થીનો વારો ન આવે અને બારી બંધ થઈ જાય તો બીજા દિવસે ધક્કો ખાવો પડે છે. આ સાથે અરજદારોને યોગ્ય જવાબ મળતો ન હોવાનો આક્ષેપ કર્યો છે.
વાલી બે અરજદાર વિદ્યાર્થિનીના પિતા મનીષ સિંધવે જણાવ્યું હતું કે, હું બે દિવસથી અહીં ધક્કા ખાવ છું, પરંતુ અહીંથી કોઈ પણ પ્રકારનો વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો નથી. કયા- કયા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડશે તેવું પૂછવામાં આવે તો ઉટપટાંગ જવાબ આપવામાં આવે છે. અત્યારે હું તમામ ડોક્યુમેન્ટ લઈને આવ્યો તો મને કહેવામાં આવ્યું કે, વર્ષ 1978 પહેલાની જાતિની સાબિતી લઈ આવો. મારા પિતા કે દાદા કોઈ ભણેલા નથી તો 1978નું પ્રૂફ ક્યાંથી લઇ આવું?
વધુમાં ઉમેર્યું કે, મારે OBCનો દાખલો કઢાવવાનો છે અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ કઢાવવાનું છે. મારી બંને દીકરીના એડમિશન માટે કોલેજમાં આપવાનું છે. અહીં લોકો તડકામાં હેરાન થાય છે. મારા લિવિંગ સર્ટિફિકેટમાં નાડોદા રાજપૂત લખેલું છે. હું OBCમાં આવું છું, છતાં આ લોકો માન્ય રાખતા નથી. મારી બંને દીકરીને કોલેજમાં નર્સિંગમાં એડમિશન લેવાનુ છે. હવે આ જાતિનો દાખલો નહીં નીકળતા મુશ્કેલી પડશે.