હોળી અને ધુળેટીના તહેવારો દરમિયાન અકસ્માત અને મારામારીના બનાવો બને છે. જેના પગલે ઈમર્જન્સી કેસોમાં વધારો થતો હોય છે. સામાન્ય દિવસો કરતાં ધુળેટીના દિવસે અકસ્માત અને અન્ય કેસો વધારે નોંધાવવાની શક્યતા છે. જેમાં અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડમાં વધારે ઇમર્જન્સી કેસો નોંધાવવાની શક્યતા છે. તહેવારોના પગલે ઈમર્જન્સીમાં વધારો થતાં 108 એમ્બ્યુલન્સ સતત કાર્યરત રહેશે. તહેવારોમાં પાછલાં વર્ષોનો કેસોનો ટ્રેન્ડ અને કયા જિલ્લામાં કેસ વધુ આવે છે તેનું એનાલિસિસ કરાયું છે.
108 ઈમર્જન્સીના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 13મી માર્ચના હોળીના દિવસે ઈમર્જન્સી કેસોમાં 3.61ટકા (3,870 કેસ)નો વધારો થશે અને 14મી માર્ચના ધુળેટીના દિવસે 29.88 ટકા (4,851 કેસ)નો વધારો થશે. જે સામાન્ય દિવસના સરેરાશ 3,735 કેસની સરખામણીએ વધુ છે. મુખ્યત્વે રોડ અકસ્માતો અને ટ્રોમા (નૉન-વ્હીક્યુલર) સંબંધિત ઈમર્જન્સી કેસોમાં વધારો થવાની સંભાવના છે. રોડ અકસ્માતોમાં હોળીના દિવસે 36.10 ટકા (656 કેસ) અને ધુળેટીના દિવસે 89 ટકા (911 કેસ)નો વધારો થવાની સંભાવના છે, જે સામાન્ય દિવસના 482 કેસની સરખામણીએ છે.