‘ઈન્ડિયન આઈડલ 12’નો વિનર પવનદીપ રાજનનો વહેલી સવારે અકસ્માત થયો હતો. ગાયકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત મુરાદાબાદમાં થયો હતો.
પવનદીપ રાજનની ટીમે જણાવ્યું હતું કે સિંગરનો અકસ્માત સોમવારે સવારે 3:40 વાગ્યે મુરાદાબાદ નજીક થયો હતો. થોડા સમય પહેલાં ગાયક પોતાના વતન ચંપાવત ગયા હતા. પવનદીપ રાજનને અમદાવાદમાં એક શો કરવાનો હતો, જેના માટે તે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યો. તેમને દિલ્હી એરપોર્ટથી અમદાવાદ જવા માટે ફ્લાઇટ પકડવાની હતી, જોકે રસ્તામાં તેમનો અકસ્માત થયો. ગંભીર હાલતમાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પવનદીપ રાજનની MG-HECTOR કાર ડ્રાઈવર રાહુલ સિંહ ચલાવી રહ્યો હતો. રાત્રે લગભગ 2.30 વાગ્યે ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોપાલા ક્રોસિંગ ઓવરબ્રિજ પરથી તેમની કાર નીચે ઉતરતાની સાથે જ તે હાઇવેની બાજુમાં પાર્ક કરેલા ડમ્પરમાં પાછળથી અથડાઈ ગઈ. રાહુલ ઝોકું આવી ગયું તેના કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સિંગર પવનદીપ, તેનો મિત્ર અજય મહેરા અને ડ્રાઈવર રાહુલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ગજરૌલાના ઇન્સ્પેક્ટર અખિલેશ પ્રધાને જણાવ્યું કે- માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેય ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને પોતાના કબજામાં લીધા છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને કારમાંથી બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાંથી ડોક્ટરે ત્રણેયને મુરાદાબાદ રેફર કર્યા. ત્રણેયની ગંભીર હાલત જોઈને પોલીસે તેમને ડિડૌલીમાં હાઇવે પર સ્થિત એક ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કર્યા. હાલમાં ત્રણેય નોઈડાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.