કેનેડાએ રવિવારે મોડી રાત્રે અમેરિકન ટેકનોલોજી કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ (DST) લાદવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. કેનેડા સરકાર 30 જૂનથી અમેરિકન કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લાદવાની હતી.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ અને ટ્રમ્પ હવે વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે. કેનેડાના નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, કાર્ની અને ટ્રમ્પ 21 જુલાઈ સુધીમાં વેપાર સમજુતી પર વાટાઘાટો ફરી શરૂ કરી શકે છે.
27 જૂનના રોજ, ટ્રમ્પે કેનેડાને ધમકી આપી હતી કે જો તે અમેરિકન કંપનીઓ પર ટેક્સ લાદશે, તો તેઓ ટૂંક સમયમાં કેનેડા પર નવા ટેરિફ લાદશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું, ‘અમે આગામી 7 દિવસમાં કેનેડાને જણાવીશું કે અમેરિકા સાથે બિઝનેસ કરવા માટે તેણે કેટલો ટેરિફ ચૂકવવો પડશે.’
ડિજિટલ સર્વિસીસ ટેક્સ એક્ટ ગયા વર્ષે 20 જૂન, 2024ના રોજ કેનેડિયન સંસદમાં પસાર થયો હતો. જોકે, આ ટેક્સ એક વર્ષ પછી 30 જૂન, 2025થી અમલમાં આવવાનો હતો. તેના અમલીકરણના થોડા કલાકો પહેલા, કેનેડિયન સરકારે તેના પર યુ-ટર્ન લીધો.