દેશભરમાં હાલ દિવાળીનાં તહેવારોની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત રાજકોટમાં પણ લોકો દિવાળીનાં તહેવારો માણી રહ્યા છે. જોકે, તહેવારો પૂર્ણ થયા બાદ એટલે કે લગભગ લાભ પાંચમ પછી મનપા દ્વારા ધાર્મિક અને અન્ય ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાશે. આ કામગીરી દરમિયાન વધુ ભીડ એકત્ર થતી હોય તેવા વિસ્તારોને પ્રાધાન્ય આપવામાં આવશે. મનપા કમિશનરે છેલ્લા બે વર્ષમાં ટીપી બ્રાન્ચ દ્વારા ઇશ્યુ થયેલી નોટિસો અંગે વિગતો મંગાવી છે ત્યારે મનપા દ્વારા અપાયેલી આ નોટિસોને ધ્યાનમાં ન લેનારાની મિલકતો પર બુલડોઝર ફરે એવી પૂરતી સંભાવના છે.
રાજકોટના કાલાવડ રોડ ઉપર ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નાગરિકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ક્યાંકને ક્યાંક ગેરકાયદેસર ખાંધકામ કારણભૂત નિકળ્યું હતું. ત્યારે શહેરમાં ગેરકાયદે બાંધકામોને કારણે કોઈ દુર્ઘટના ન બને તે માટે શહેરમાં અગાઉ જે ગેરકાયદે બાંધકામોને 260-1 અને 260-2 મુજબની નોટિસ આપવામાં આવી હોય પણ આજ સુધી આગળ કાર્યવાહી ન થઈ હોય એવા બાંધકામો હટાવવા મહાનગરપાલિકાએ તૈયારી શરૂ કરી છે. શહેરના ત્રણેય ઝોનમાં આ પ્રકારના બાંધકામોની યાદી તૈયાર કરવાનો આદેશ મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા આપવામાં આવ્યો છે.