શહેરમાં રૈયા ગામ વિસ્તારમાં સ્માર્ટ સિટી અંતર્ગત પ્રોજેક્ટ ચાલુ હોય આ કામનો કોન્ટ્રાક્ટર ધરાવતી એલ એન્ડ ટી કંપનીના અટલ સરોવર નજીક સ્ટોર રૂમમાંથી તસ્કરો કેબલ,ભંગાર મળી કુલ રૂ.4.61 લાખની મતાનો માલસામાન ચોરી કરી ગયાની ફરિયાદ થતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમિયાન એલસીબી ઝોન-2ની ટીમે ચોરીમાં બે પૂર્વ સિક્યુરિટી મેન સહિત ચાર શખ્સની ધરપકડ કરી વધુ પૂછતાછ કરી હતી.
જામનગર રોડ પર ઘંટેશ્વર પાસેના એસઆરપી કેમ્પ નજીક વર્ધમાન પાસે રહેતા અને મૂળ ઓડિશાના વતની રાકેશભાઇ અક્ષયકુમાર નંદાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેમા તેને જણાવ્યું હતું કે, રાજકોટ સ્માર્ટ સિટી બનાવવાનો કોન્ટ્રાક્ટ એલ એન્ડ ટી પાસે હોય જેમાં તસ્કરોએ સ્ટોર રૂમમાંથી 750 મીટર કેબલ વાયર અને 450 કિલો લોખંડ મળી કુલ રૂ.4.61 લાખની માલમતાની ચોરી કરી ગયાનું જણાવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
દરમિયાન સ્માર્ટ સિટી એલ એન્ડ ટી પ્લાન્ટ સ્ટોર રૂમમાંથી ચોરી કરનાર શખ્સો રૈયા ગામ પાસે ઊભા હોવાની માહિતીને અાધારે એલસીબીની ટીમે ચોરી કરનાર શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં અારોપી વિક્રમ મણિલાલ સોલંકી, સંજય દુદાભાઇ રાઠોડ, કુંદનકુમાર પ્રેમકુમાર પાંડે અને અશ્વિનકુમાર બલરામ કશ્યપની પૂછતાછ કરી તેની પાસેથી ચોરાઉ કેબલ અને ભંગાર સહિતની મતા કબજે કરી હતી.