મનોરંજન કર વસૂલાતની સત્તા શહેરી વિકાસ વિભાગને અપાયા બાદ પણ રાજકોટ શહેર-જિલ્લામાં કેબલ ઓપરેટર, થિયેટર સંચાલકો પાસેથી દોઢ દાયકા જૂની રૂ.9.19 કરોડની વસૂલાત નથી કરી શક્યા. અગાઉ મનોરંજન ટેક્સની વસૂલાત બાદ જ થિયેટરોની ટિકિટ મંજૂર થતી હતી. વર્ષ 2010-2011માં પબ્લિક એકાઉન્ટિંગકમિટી દ્વારા ક્વેરી કાઢવામાં આવી હતી.
રાજકોટ શહેર અને જિલ્લામાં રૂ.9.19 કરોડની મનોરંજન કરની વસૂલાત બાકી છે. રાજકોટ તાલુકા મામલતદાર કચેરીમાં સૌથી વધુ રૂ.7.28 કરોડની વસૂલાત બાકી છે. બાકી વસૂલાત વર્ષ 2010-2011ના સમયની છે. અગાઉ જ્યારે મનોરંજન શાખા કલેક્ટર કચેરી હેઠળ હતી ત્યારે મલ્ટિપ્લેક્સધારકોને ટિકિટના વેચાણની મંજૂરી લેવી પડતી હતી. જે થિયેટરધારકો મનોરંજન કર ભરતા તેમની ટિકિટ જ મંજૂર કરાતી હતી, પરંતુ હવે આ વસૂલાતની સત્તા જીએસટી વિભાગને સોંપવામાં આવી છે. વર્તમાનમાં જે મનોરંજન કરની વસૂલાત બાકી છે તેનું મુખ્ય કારણ એ છે કે, અમુક મલ્ટિપ્લેક્સધારકો મનોરંજન ટેક્સને લઈને હાઈકોર્ટમાં ગયા છે. હવે કોર્ટ કેસ પૂર્ણ થયા બાદ જ અને હાઈકોર્ટના આદેશ પછી જ આ વસૂલાત થઈ શકશે. મનોરંજન કરની ભરપાઈ નહિ થતાં વર્ષ 2010-11 માં પબ્લિક એકાઉન્ટિંગ કમિટી દ્વારા ક્વેરી કાઢી નવા સરવે મુજબ કેબલ ઓપરેટરો પાસેથી રૂ.1,83,78,603 ની રકમ વસૂલવા આદેશ કરવામાં આવ્યો હતો.