રાજકોટ સેવાના નામે મહિને 18 લાખ લેતા ટ્રસ્ટે ઢોર ડબ્બાનું નામ પાંજરાપોળ કરી નાખ્યું

રાજકોટ મનપાએ ઢોર ડબ્બાના સંચાલન માટેનો કોન્ટ્રાક્ટ જીવદયા ઘરના યશ અને રાજેન્દ્ર શાહને આપ્યો છે. કોન્ટ્રાક્ટરનું કામ ઢોર ડબ્બે આવતા પશુઓને ચારો આપવો, સારવાર કરવી, સફાઈ રાખવાનો છે. આ માટે કોન્ટ્રાક્ટર મનપાને મહિને 18થી 20 લાખ રૂપિયાનું બિલ મોકલે છે અને તેની ચૂકવણી થાય છે. આ ઉપરાંત ઢોર ડબ્બામાં છાણ, ખાતર સહિતના વેચાણની આવક કરવાની પણ છૂટ અપાયેલી છે.

જોકે તેમને ઢોર ડબ્બાનુ નામ બદલવાની કે પછી જનરલ બોર્ડમાં પસાર ન થયા હોય તેવા નિયમો બનાવવાની કોઇ જ છૂટ નથી પણ અહીં કોન્ટ્રાક્ટરે તો સ્પષ્ટ બોર્ડ લગાવી દીધા છે કે હવે આ ઢોર ડબ્બો નથી! કોન્ટ્રાક્ટર યશ અને રાજેન્દ્ર શાહે ગેટ પાસે જ મસમોટું બોર્ડ લગાવી દીધું છે અને ત્યાં ‘જીવદયા ઘર પાંજરાપોળ’ લખ્યું છે. અંદર જતા જ જાહેર સૂચનાનું પોસ્ટર લગાવીને તેમાં લખ્યું છે કે, માલધારીઓને વિનંતી કે આ હવે ઢોર ડબ્બો રહ્યો નથી આરએમસી સાથે નક્કી કર્યા મુજબ પાંજરાપોળને સોંપવામાં આવેલ છે.

આ તમામ બાબતો એક મોટું જૂઠાણું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે કારણ કે મનપાએ ફક્ત સંચાલન સોંપ્યું છે જગ્યાની માલિકી મનપાની જ છે તેમજ નામ બદલવાની અને નિયમો બનાવવાની સત્તા પણ મનપાની જ છે. આ ઉપરાંત આજી ડેમમાં જૂના ઝૂમાં પણ જગ્યા પર ગેરકાયદે કબજો કરીને ત્યાં જીવદયા ઘરના બોર્ડ લગાવી દેવાયા છે. આ અંગે એ.એન.સી.ડી. વિભાગના અધિકારી ડો.જાકાસણિયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, માત્ર સંચાલન અપાયું છે ઢોર ડબ્બો અપાયો નથી તેમજ નામકરણ પણ કરી શકાય નહીં. આ મામલે મ્યુનિસિપલ કમિશનરનું માર્ગદર્શન લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *