10 લાખના ચેક રિટર્ન કેસમાં ઉદ્યોગપતિને દોઢ વર્ષની સજા

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર વેપાર કરતાં હરિભાઇ ચંદારાણા પાસેથી જસદણની જલારામ જીનિંગ ફેક્ટરીના ભાગીદારોએ રૂ.50 લાખ લીધા હતા જેમાંથી રૂ.10 લાખ પરત કરવા આપેલો ચેક રિટર્ન થયો હતો. આ કેસ ચાલી જતાં જસદણની ફેક્ટરીના ભાગીદારને દોઢ વર્ષની સજા ફટકારી હતી અને એક માસમાં રૂ.10 લાખ ચૂકવવા તેમજ તે રકમ ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

યાજ્ઞિક રોડ પર માધવ કોમ્પ્લેક્સમાં વેપાર કરતાં હરિભાઇ રામજીભાઇ ચંદારાણા પાસેથી જસદણની જીનિંગ મિલના ભાગીદાર આનંદ અરવિંદભાઇ પોપટે સંબંધના દાવે ધંધાના વિકાસ માટે રૂ.50 લાખ લીધા હતા. ઉપરોક્ત રકમમાંથી રૂ.10 લાખ પરત કરવા માટે ફેક્ટરીના ભાગીદાર આનંદ પોપટે ચેક આપ્યો હતો અને તે ચેક બેંક ખાતામાં રજૂ થયે ચેક પાસ થઇ જશે, પરત નહીં ફરે તેવા વચન અને વિશ્વાસ આપ્યો હતો. જે ચેક હરિભાઇએ બેંકમાં રજૂ કર્યો હતો અને પરત ફર્યો હતો.

આ કેસ ચાલી ગયો હતો અને કોર્ટે રેકર્ડ પરના રજૂ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લેતા ફરિયાદપક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં નિષ્ફળ પૂરવાર થયાનું માની આરોપી જલારામ જીનિંગ ફેક્ટરી, આનંદ અરવિંદ પોપટને દોઢ વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ રૂ.10 લાખ એક માસમાં ફરિયાદીને ચૂકવવા ચુકાદો આપ્યો હતો. આ કામમાં ફરિયાદ હરિભાઇ ચંદારાણા વતી એડવોકેટ લલીતસિંહ શાહી અને સુરેશ ફળદુ સહિતની ટીમ રોકાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *