રાજકોટ નજીક આવેલા ખોખડદળ ગામે રહેતા અને પડવલા ગામે હાર્ડવેરની દુકાન ચલાવતા દર્શનભાઇ નિતેશભાઇ કોરાટ (ઉ.25) તેની કાર લઇને દુકાનેથી ઘેર જતા હતા ત્યારે ખોખડદળ રોડ પર વરુણ કાસ્ટિંગ પાસે એક શખ્સ પગપાળા રોડ ક્રોસ કરતો હોય જેથી હોર્ન મારતાં શખ્સે હોર્ન કેમ વગાડે છે, કહી પથ્થરનો ઘા કરી કારનો કાચ ફાડી નાખ્યો હતો. બનાવમાં કારચાલક દર્શનભાઇ ઊભા રહેતા શખ્સે ધસી આવી ચાવી વડે હુમલો કર્યો હતો. દેકારો થતા અન્ય શખ્સો ધસી આવ્યા હતા અને ધોકા-પાઇપ વડે હુમલો કરતાં તેને ફોન કરતાં તેના પિતા નિતેશભાઇ પણ ધોકા,પાઇપના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં વચ્ચે પડતાં તેની માતા જોત્સનાબેનને ધક્કો મારી પછાડી દીધા હતા અને સગર્ભા પત્ની નિકીતાબેનને ધોકો મારી નાસી જતા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકના જમાદાર બાલાસરા સહિતના સ્ટાફે દર્શનભાઇની ફરિયાદ પરથી ત્રણ શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.