ગોંડલના આંબરડી ગામે પોલીસ જવાનની આવેલ જમીનમાં ના પાડવા છતાં જેટકો કંપનીના કર્મચારીઓએ ધરારીથી મંજૂરી વગર લાકડા ખોડી દેતાં ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે હાલ ગોંડલ તાલુકા પોલીસ લાઇનમાં રહેતાં મૂળ ગોંડલના આંબરડી ગામના વતની યોગરાજસિંહ માવસિંહ ઉર્ફે માથુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેટકો કંપનીના કર્મચારીના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ હાલ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે નોકરી કરે છે.છેલ્લાં દશેક વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. તેઓને આંબરડી ગામમાં સર્વે નં,181 પૈકી 1 તથા 181 પૈકી 2 ની આશરે 40 વિઘા જેટલી ખેતીની જમીન તેઓના પિતા માવસિંહ ઉર્ફે માલુભા ફતેસિંહ જાડેજાના ખાતે આવેલ છે. ગઇ તા.19 ના તેઓ ગોંડલ હતા તે દરમ્યાન તેઓને ફોન આવેલ કે, હું જેટકો કંપનીમાંથી ભાવેશભાઇ બોલું છું અને તમારી માલીકીની વાડીમાં જેટકો કંપનીનો વિજ લાઇનનો પોલ આવતો હોય જેથી તમારો કોન્ટેક કરેલ છે, જેથી તે ભાવેશભાઈને જણાવેલ કે, તમો હાલ ક્યાં છો, તો તેને જણાવેલ કે હું તમારા ખેતરમાં ઉભો છું. જેથી તેને કહેલ કે, મારે મારા ખેતરમાં જેટકોનો કોઈ પોલ ઉભો થવા દેવો નથી, તમે મારા ખેતરમાં ઉભા હોય તો તે જગ્યા મુકીને જતા રહો અને બીજી વાર તે જગ્યા ઉપર આવતા નહી.