મહિલા કોલેજ બ્રિજ પાસે વાહનની ઠોકરે બુલેટસવારનું મોત, 1 ગંભીર

કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે વાહનની ઠોકરે બુલેટસવાર યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે તેના મિત્રને ઇજા થતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માલવિયાનગર પોલીસે તપાસ કરતાં પરાપીપળિયા ગામે એકતા સોસાયટીમાં રહેતા બંને મિત્ર બુલેટ લઇને રાજકોટ નાસ્તો કરવા આવ્યા હતા અને યુનિવર્સિટી રોડ પર જતા હતા ને આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટના પરાપીપળિયા ગામે એકતા સોસાયટીમાં રહેતો વિમલ અશોકભાઇ આશરા (ઉ.27) તેના બુલેટમાં મિત્ર ભાવિક પરસોત્તમભાઇ રાઠોડને બેસાડી રાજકોટ નાસ્તો કરવા નીકળ્યા હતા. દરમિયાન રેસકોર્સ રિંગ રોડ પર થઇને યુનિવર્સિટી રોડ પર જલારામ રેસ્ટોરન્ટે જતા હતા ત્યારે કાલાવડ રોડ પર અંડરબ્રિજ પાસે અજાણ્યા વાહને ઠોકરે લેતા બન્ને મિત્રને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં વિમલનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ મથકના જમાદાર કે.જી.ઝાલા સહિતના સ્ટાફે તપાસ કરતાં મૃતક વિમલ બે ભાઇમાં નાનો હોવાનું અને તેના પિતા હયાત ન હોય મિસ્ત્રી કામની મજૂરીકામ કરી પરિવારને મદદરૂપ થતો હોવાનું અને અપરિણીત હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસે અકસ્માત બાદ નાસી જનાર અજાણ્યા વાહનચાલકને શોધવા માટે સીસીટીવીની મદદથી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *