રાજકોટ જયુબેલીબાગ ટેલીફોન એકસચેન્જ પાસે આજે પેન્શનર એસોસીએશન દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને દેખાવ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. 7મા પગાર પંચ મામલે BSNLના કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઈને આજે પેન્શનર કર્મચારીઓ દ્વારા ડિમાન્ડ ડે ઉજવાયો હતો. આ તકે લે કે રહેંગે લે કે રહેંગે હમારા હક્ક લે કે રહેંગે સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ આગામી સમયમાં ચલો દિલ્હી અભિયાન યોજાનાર હોવાનું પણ કર્મચારીઓએ જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર BSNL અને MTNL કર્મચારીઓને અને પેન્શનરોને નવા પગાર પંચનો લાભ મળતો ન હોય તે મુદ્દે નારાજગી ફેલાયેલી છે. આ બાબતે કર્મચારીઓ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની બેવડી નીતિના કારણે આજે પેન્શનરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જોઈન્ટ ફોર્મ ઓફ BSNL-MTNL પેન્શનર્સ એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં લાંબા સમયથી પેન્ડિંગ પગાર પંચ, પેન્શન રીવીઝન,1-1-2017થી 15 ટકા ફિટમેન્ટ આપવા સહિતની માંગણી કરવામાં આવી હતી.