ઝડપથી વધુ નાણા કમાવવાની લાલચમાં નાણા ગુમાવવાની વેળા આવે છે, આવું જ કંઇક ટેલિકોમના મહિલા કર્મચારી સાથે બન્યું હતું, સ્ટોક માર્કેટમાં ત્રણ મહિનામાં 500 ટકા રિટર્નની લાલચ આપી ગઠીયાઓએ મહિલા સાથે 55 લાખની છેતરપીંડી આચરી હતી.
મોટી ટાંકી ચોક પાસે રહેતા અને બીએસએનએલમાં જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે ફરજ બજાવતાં બેલાબેન સુરેશચંદ્ર વેધ (ઉ.વ.39)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલગ અલગ બેંકના ખાતા નંબર આપ્યા હતા. બેલાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.5મેના તેઓના ફેસબુકમાં એક જાહેરાત જોવા મળી હતી, જેમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ત્રણ મહિનામાં 50 ટકા રિટર્નની લાલચ આપવામાં આવી હતી, તે જાહેરાત જોઇને બેલાબેને જાહેરાતની લીંકમાં ક્લીક કરતાં પ્રાઇમ વિઆઇપી બેંક નામના વ્હોટ્સેપ ગૃપમાં તે જોડાઇ ગયા હતા અને બેલાબેન સાથે ચેટીંગ કરી તેમની પાસે અલગ અલગ 20 આર્થિક વ્યવહાર કરી તેમની પાસેથી રૂ.55,00,594 પડાવી લીધા હતા, બેલાબેનને વિશ્વાસ અપાવવા ગઠીયાઓએ એક વખત તેમના બેંક એકાઉન્ટમાં રૂ.1.94 લાખ જમા કરાવ્યા હતા, ગઠીયાઓએ તૈયાર કરેલી એપ્લીકેશનમાં બેલાબેનના ખાતામાં રૂ.3 કરોડ નફારૂપે જમા હોવાનું બતાવવામાં આવ્યું હતું, બેલાબેને તે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો તેમને વ્હોટ્સેપ ગૃપમાંથી દૂર કરી દેવાયા હતા, પોતાની સાથે છેતરપીંડી થયાનું સ્પષ્ટ થતાં અંતે બેલાબેને ફરિયાદ નોંધાવી હતી, હેડ કોન્સ્ટેબલ દિપક પંડિતે ગુનો નોંધતા પીઆઇ ઝનકાંતે વિશેષ તપાસ શરૂ કરી હતી.