શહેરના હાથીખાના વિસ્તારમાં કમ્પ્યુટરના પાર્ટસનો વેપાર કરતાં વેપારી પાસેથી બે વર્ષ પહેલા સોના ચાંદીનો વેપાર કરતો તેનો મિત્ર રૂ.12 લાખ ઉછીના લઇ ગયો હતો, એક મહિનામાં રકમ પરત કરવાનું કહેનાર મિત્ર મકાનને તાળાં મારી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
કાલાવડ રોડ પરના એવરેસ્ટ પાર્કમાં રહેતા અને હાથીખાનામાં શ્રી કોમ્પલેક્સમાં કમ્પ્યુટરના પાર્ટસનો વેપાર કરતાં પરાગભાઇ દિનેશભાઇ સંચાણિયા (ઉ.વ.43)એ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં અારોપી તરીકે પ્રહલાદ પ્લોટમાં રહેતા દિવ્યેશ દિનેશચંદ્ર આડેસરાનું નામ આપ્યું હતું. પરાગભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દિવ્યેશ આડેસરાને પ્રહલાદ પ્લોટમાં સોનાચાંદીના દાગીનાનો શો રૂમ છે અને પાંચેક વર્ષ પહેલા તેમની સાથે મિત્રતા થતાં બંને એકબીજાની દુકાને જતા આવતા હતા અને બંનેને ધંધામાં નાણાંની જરૂરિયાત ઊભી થતી ત્યારે બંને એકબીજા પાસેથી હાથઉછીના નાણા લેતા હતા અને સમયસર તે રકમ પરત કરી દેતા હતા.
ગત તા.1 ઓગસ્ટ 2022ના દિવ્યેશ આડેસરાએ ધંધામાં નાણાંની જરૂરિયાત છે તેમ કહી રૂ.12 લાખ માગ્યા હતા અને પરાગભાઇએ મિત્ર દિવ્યેશના ખાતામાં તેટલી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી, એક મહિનામાં આ રકમ પરત કરી દેશે તેમ કહી દિવ્યેશ જતો રહ્યો હતો, લાંબો સમય વિતવા છતાં દિવ્યેશે રકમ પરત નહી કરતાં પરાગભાઇએ ઉઘરાણી શરૂ કરતાં તે દર વખતે અવનવા બહાના આપતો હતો અને બાદમાં પરાગભાઇની દુકાને જવાનું બંધ કરી દીધું હતું અને તેમનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું, પરાગભાઇએ પ્રહલાદ પ્લોટમાં જઇને તપાસ કરી તો દિવ્યેશ આડેસરા મકાનને તાળા મારી નાસી ગયાનું જાણવા મળ્યું હતું, પોલીસે પરાગભાઇની ફરિયાદ પરથી દિવ્યેશ આડેસરા સામે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.