શહેરમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેમ ભાવનગર રોડ પર ઠેબચડા નજીક પોલીસને જોઇ કાર ભગાડી બાઇકસવારને ઠોકરે લઇ દારૂ ભરેલી કાર મુકી નાસી જતા પોલીસે વિદેશી દારૂ અને કાર કબજે કરી તેમજ અકસ્માતમાં ઘાયલ યુવકને સારવાર માટે ખસેડાયો હોય આજીડેમ પોલીસે દારૂ અને અકસ્માતના અલગ-અલગ બે ગુના નોંધી આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી છે.
ભાવનગર રોડ પર ઠેબચડા ગામ પાસે કારમાં વિદેશી દારૂની ડિલિવરી થતી હોવાની માહિતીને આધારે ક્રાઇમબ્રાંચની ટીમે પહોંચી શંકાસ્પદ કારને અટકાવવાની કોશિશ કરી હતી પરંતુ ચાલકે કાર ભગાડી મુકી બાઇકસવાર રમેશ ધીરૂભાઇ મકવાણા (ઉ.વ.19)ને ઠોકરે લીધો હતો. બાદમાં કાર રેઢી મુકી નાસી ગયો હતો પોલીસે કારમાંથી 52 હજારની કિંમતનો 132 બોટલ દારૂ અને કાર કબજે કરી અકસ્માતમાં ઘાયલ રમેશની ફરિયાદ પરથી બે અલગ અલગ ગુના નોંધી આરોપી બુટલેગરને પકડી લેવા કાર્યવાહી કરી છે.
જ્યારે બીજા દરોડામાં પીસીબીની ટીમે આજી વસાહત પાસેના ખોડિયારપરામાં દરોડો પાડી 33 હજારની કિંમતનો 60 બોટલ દારૂ સાથે જગદીશ ભુપતભાઇ ભોજક અને 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકરનગરમાં મકાનમાં દરોડો પાડી 42 બોટલ દારૂ સાથે હિતેષ છગનભાઇ સોલંકીને ઝડપી લઇ વિશેષ પૂછતાછ કરી છે.