આજે દિવાળીનો મહાપર્વ છે. ત્યારે ઠેર ઠેર દિવાળી નિમિત્તે ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં રાજકોટ કાલાવડ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીનો દિવસ એ ધંધા-રોજગાર, વૃદ્ધિ માટે ચોપડા પુજન માટેનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં કેટલાક ધંધાર્થીઓએ ચોપડા સાથે સાથે લેપટોપ અને કોમ્પ્યુટરની પણ પુજા કરવામાં આવી હતી. સંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આજના આ ચોપડા પૂજનમાં 2000 જેટલા વેપારીઓ એકસાથે સભાગૃહમાં ચોપડા પૂજન કરાવવામાં આવ્યું હતું. જેમાં આજની આ પુજા માટે ઘરો, ગોઠીમડું, કપૂરનું પાન, પુષ્પ, ફળ અને પંચામૃતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારમાં ચોપડા પુજન સાથે આજે લક્ષ્મીનું પુજન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2080ના અંતિમ દિવસે ચોપડા પૂજન કરી આવનારું વર્ષ 2081 દરેકને તન, મન, ધનથી સુખ સમૃદ્ધમય થાય અને ધંધા રોજગારમાં પ્રગતિ થાય સાથે જ શ્રેષ્ઠ ગુજરાત શ્રેષ્ઠ ભારત બને તે માટે અંતમાં આરતી સાથે પ્રાર્થના-પૂજા કરવામાં આવી હતી.
રાજકોટના કાલાવડ રોડ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, સનાતન હિન્દુ ધર્મનો સૌથી મોટો પર્વ એટલે દિવાળી. આપણે ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં અર્થ એટલે આર્થિક વૃદ્ધિ માનવામાં આવે છે. ત્યારે આજે દિવાળીના પર્વ દરમિયાન હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ ધર્મની સાથે સાથે અર્થરૂપી આર્થિક વૃદ્ધિ થાય તે માટે પોતાના ધંધા-રોજગારનાં ચોપડાનું પૂજન, માતા લક્ષ્મી અને મા શારદાનું પૂજન કરતા હોય છે. રાજકોટમાં આજે સભાગૃહમાં 2000 જેટલા વેપારીઓ સાથે મળી વૈદિક મંત્રોચ્ચાર સાથે ચોપડા પૂજન કર્યું છે. ટેક્નોલોજીના યુગમાં હાથેથી લખાયેલ ચોપડા સાથે સાથે લેપટોપ અને ટેબ્લેટ જેવા ગેજેટની પણ પૂજા કરવામાં આવી છે.