1930માં થયેલા ક્રેશમાં UFO સાથે મૃતદેહો પણ મળ્યા હતા

બુધવારે યુએસ સંસદમાં યુએફઓ અને એલિયન્સને લઈને સુનાવણી થઈ હતી. દરમિયાન યુએસ નેવીના ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી નિવૃત્ત મેજર ડેવિડ ગ્રશે દાવો કર્યો હતો કે અમેરિકા ઘણાં વર્ષોથી યુએફઓ અને એલિયન્સ સંબંધિત માહિતી છુપાવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકા આ ​​UFOના રિવર્સ એન્જિનિયરિંગ પર કામ કરી રહ્યું છે.

ધ ગાર્ડિયન અનુસાર, મેજર ગ્રશ 2022ના અંત સુધી યુએસ ડિફેન્સ એજન્સી માટે UAP (UFOs સંબંધિત શંકાસ્પદ ઘટનાઓ)નું વિશ્લેષણ કરતા હતા. તેમણે કહ્યું હતું કે સરકારે એલિયન્સ શોધી કાઢ્યા છે અને તેમના અવકાશયાન પર ગુપ્ત સંશોધન કરી રહી છે.

ગ્રશે કહ્યું હતું કે તેમના કામ દરમિયાન જ તેઓ ક્રેશ થયેલા UFOના સંશોધન અને રિવર્સ એન્જિનિયરિંગ પ્રોગ્રામથી વાકેફ થયા હતા, જે ઘણાં વર્ષોથી ચાલી રહ્યું હતું. જોકે તેમને કાર્યક્રમ જોવાની મંજૂરી આપવામાં આવી ન હતી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પેન્ટાગોને આ દાવાઓને ફગાવી દીધા છે. પેન્ટાગોને કહ્યું હતું કે અમેરિકાએ ક્યારેય એલિયન્સ સંબંધિત કોઈ કાર્યક્રમ ચલાવ્યો નથી અને હવે એવું કંઈ થતું નથી.

એલિયનના જીવન પર આ અત્યારસુધીની સૌથી હાઇપ્રોફાઈલ સુનાવણી હતી. સંસદમાં ગ્રશે એવો પણ દાવો કર્યો હતો કે 1930ના ક્રેશમાં અન્ય ગ્રહ પરથી અવકાશયાન મળી આવ્યું હતું. એની સાથે એક શરીર પણ હતું, એ મનુષ્યનું નહોતું. તેણે કહ્યું હતું કે તેને આ માહિતી યુએસના આ કાર્યક્રમમાં સીધા સામેલ અધિકારીઓ દ્વારા મળી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે યુએસ સરકાર 1930થી આ કાર્યક્રમ ચલાવી રહી છે.

મેજર ગ્રશે જણાવ્યું હતું કે સરકારી વ્હિસલબ્લોઅર સાથે જોડાયેલા ખુલાસાથી તેમને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમને વ્યાવસાયિક અને વ્યક્તિગત બંને સ્તરે વિરોધનો સામનો કરવો પડ્યો છે. ગ્રશે એમ પણ કહ્યું હતું કે આ કારણે તેનો જીવ પણ જોખમમાં મુકાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *